Share this:

સોમવાર, 29 માર્ચ, 2021

પોતાનાથી પોતાનાં સુધી!

મને કોઈ ફર્ક નથી પડતો!

ક્યારેય પડ્યો પણ ન હતો!

મારો અવાજ, મારી આંખો, મારાં માથાનાં વાળ, મારી ઉચાઇ, મારો વજન, મારો શારીરિક બાંધો! મારી કોઇપણ પ્રકારની ખોડ-ખાપણ કે જે જન્મથી જ મળેલ છે, મારો સ્વભાવ, મારો ગુસ્સો, મારું વર્તનવગેરેઘણું બધું!  અને હા, મારી જ્ઞાતિ, મારી આર્થિક સ્થિતિ, ફેમીલી બેકગ્રાઉન્ડ, એ બધું પણ ખરું જ!

આ બધુજ મારું પોતાનું નથી! આતો મને કોઈ તરફથી મળેલું છે!

લોકો આ બધાં વિશે શું વિચારે છે? કે શું બોલે છે? મને એની કોઈ પડી જ નથી!

મને કોઈ જ ફર્ક ન પડ્યો, નથી પડતો, અને પડશે પણ નઈ કે લોકો એવી બાબતો ને પણ જુવે છે!

આ બધી બાબતો મને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત નથી કરતી! 

હજુ પણ ઘણુબધું બાકી છે! જે મને મળેલું પણ છે, જે મેં પ્રાપ્ત પણ કરેલું છે, જે મારી બુદ્ધિ દ્વારા ચકાસાયેલું પણ છે અને જે મારાં દ્વારા મારામાં ટકાવેલું પણ છે!

એમાંથીનિષ્ઠા, વફાદારી, સચ્ચાઈ, નીડરતા, સાચું બોલવું, ખોટું ન કરવું, થાય એટલું કામ કરવું, કોઈને છેતરવા નહી, પોતાની જવાબદારી સ્વીકારવી, જેને જરૂર છે એવા સાચાં લોકોની મદદ કરવી, ભ્રષ્ટાચાર ન કરવો!, સમર્પણભાવ, પરિવાર-મિત્રોનાં રક્ષણનો ભાવ, તેમના ભારણ પોષણ અને જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી, વ્યાસનોથી દુર રહેવું, વ્યક્તિગત જરૂરિયાતો ઓછી રાખવી, મિત્રો સાથે હાસ્યપૂર્ણ વાતો! ક્યાયપણ ખોટું થતું હોય તો પ્રત્યેક્ષ કે પરોક્ષરીતે વિરોધ, ખોટી કે ખરાબ બાબતોનો સહકાર ન આપવાની સમજણ,

હજુ પણ ઘણુબધું જે તમે જોઈ શકો છો તેવું! 
જે કોઈ ન જોઈ શકે તેવી બાબતોસમાજ માટે અને તેના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહેવું, અંગત આરામ અને સુખોનો ત્યાગ કરી સમૂહભાવોને મહત્વ આપવું, અંતિમ પરિણામ જો સમૂહ માટે હિતકર ન હોય તો એ કામને હાથ ન લગાડવું! આધ્યાત્મિકતા અને જાગૃતિની અભિલાષા!
ખોટો દેખાડો કરી કોઈને પણ પ્રભાવિત કરવા નહી, પોતાની અંદર રહેલ મર્યાદાઓ ને જાણવી! પોતે પોતાને જાળવી રાખવાની ઈચ્છા! વ્યભિચાર અને સ્વછંદતાથી દુર રહેવું, સત્યને શોધવું, જાણવું, સ્વીકારવું અને અંધશ્રદ્ધામાં માનવું નહી તેમજ વિચાર્યા વગર કે સમજ્યા વગર કોઈનું પણ અનુકરણ કRવું નહીવગેરે, વગેરે, વગેરે

આ બધા પણ મારાં જ ગુણો છે…  

એ બધી જ બાબતો, ગુણ-સંસ્કારો, વર્તન-વ્યવહારો, જે કઈ પણ જીવન માટે જરૂરી છે એ બધુજ મને મારાં માતા-પિતા તરફથી સીધું જ મળ્યું છે! એટલે હું એને બદલી ન શકું, અને સુધારવાની મને જરૂર પણ નથી લાગતી! મને જે કઈ પણ મારાં પૂર્વજો તરફથી મળ્યું છે અને જે મારી ઓળખાણ અને સમાજ માટે સેવા કે હિતકર છે એ બધું જ હું જાળવી રહ્યો છું!

હાજે કઈ પણ મને આજુબાજુના સમુદાયોનાં વિચાર પ્રભાવોથી પ્રાપ્ત થયું છે, અને જે કોઈ મનુષ્યએ એનો ત્યાગ જ કરવો જોયીએ, પોતાની અંદર કે પાસે ન રાખવું જોઈએ એવી કોઈ પણ બાબત મારાં ધ્યાનમાં આવે તો હું એને બદલવા, સુધારવા અને છોડવા તત્પર છું!

હું હાલ જે કઈ પણ છું એમાંથી વધારે ને વધારે પોતાને પ્રાપ્ત કરું એ જ મારું લક્ષ્ય છે! અને કદાચ એટલે જ મારે વધુ ને વધુ અંતર્મુખી બનવું જ રહ્યું!

મને જે કઈ કોઈએ પરાણે આપેલ છે તેને હું ધારણ કરું કે ન કરું કોઈ જ ફેર પડતો નથી! પરંતુ મારાં સંશોધન બાદ હું પોતાને કેવો અને કેટલો પ્રાપ્ત કરી શકું છું અને એને કેટલો ધારણ કરી શકું છું એ ખુબ મહત્વનું છું! 

*   *   *   *   *   *    *    *       *       *     *     *      *       *    *     * 

હરેક વ્યક્તિએ સ્વધર્મ, સ્વગુણ અને પોતાની નીજતાને પ્રાપ્ત કરવા જોઈએ! મનુષ્ય પ્રાકૃતિક ગુણોથી બંધાયેલો છે પણ એ જ મહાન પ્રકૃતિએ મનુષ્યને પોતાનાં ઉચિત ઉત્થાન માટે સમર્થ પણ બનાવ્યો છે!

જયારે આપણે માત્ર બીજા મારાં વિશે શું વિચારે છે કેવું વિચારે છે, શું ધારે છે કે હું કોઈને પસંદ આવીશ કે નહી, જો કોઈ મને નાપસંદ કરશે તો???

આવા બધા વિચારોથી તમે પોતાને ખોઈ બેસો છો, પોતાને ગુમાવી બેસો છો!

આવી ચિંતામાં અને આવી લઘુતાગ્રંથિથી દંભ અને નાટકોનો સિલસિલો શરુ થાય છે! તમે સામેનાં માણસ મુજબ પોતાને તૈયાર કરવા લાગો છો અને છેલ્લે તમે જે નથી એવાં પ્રદર્શિત થાવ છો! કોઈના અનુકરણ અને પ્રભાવો નીચે દબાવા લાગો છો!

પોતાને જાણી જ ન સકાય તેવાં અનુકરણો કરવા એતો નાદાની કેવાય ને! અને આવી નાદાની આપણને વધુને વધુ બહિર્મુખી બનાવી દે છે! નવા નવા ઢોંગ-સ્વાંગ રચવા તરફ પ્રેરિત કરે છે! પોતાને અંદરથી ભુલાવી દે છે! એકદમ ખાલી કરી દે છે! અંદર પોતાપણું જેવું કશું બચતું જ નથી, અને બહાર તો બસ નાટક ચાલે જાય છે!

અરે મને નવાઈની વાત તો એ લાગે છે કે બહું બધા લોકો આવા જ નાટકોના કીરદારો બનીને મૃત્યુ પામે છે, એમના જીવનમાં કોઈનાથી પ્રભાવિત થવું અને કોઈને પ્રભાવિત કરવું બસ, આ બે જ કર્મો વિશેષ રૂપથી કરેલાં હોય છે! અને પોતે કઈક પ્રાપ્ત કર્યું છે એનો વહેમ પણ સાથે લઈને જ ફરે જાય છે!

હું કોણ છું અને શા માટે છું એનું ભાન ક્યારેય થતું નથી! આ વિશાળ જગતમાં તમને જ તમારી પરવાહ કે ખોજ નથી તો તમે કોઈ બીજાને પ્રાપ્ત કરી જ લેશો એવી આશા પણ મને મુર્ખામી ભરી લાગે છે!

માત્ર એક વખત પોતાની આજુબાજુની મનુષ્ય ઉપરાંતની જીવસૃષ્ટિ પર નજર કરો, તેને સમજો! શું કોઈ કોઈનું અનુકરણ કરી રહ્યું છે? શું કોઈ કોઈને પ્રભાવિત કરી રહ્યું છે?

તો પછી આપણને આટલી બુદ્ધિ, વિચારક્ષમતા અને તર્ક મળેલ છે તેમ છતાં શા માટે આપણે કોઈને પ્રભાવિત કરી રહ્યાં છીએ? શા માટે આપણે હંમેશા બીજાનું જ અનુકરણ કરીએ છીએ? શા માટે આપણે પોતાનાં જીવનનો વ્યય કરી રહ્યા છીએ?

એકવાર અનુભવો તો ખરા કે હરેક જીવ માત્ર પોતાનામાં જ લીન છે! અંતર્ધ્યાન છે! પોતે પોતાને પોતાની રીતે પોતાનાથી જ જીવી રહ્યા છે!

બાવળ કોઈ દિવસ લીમડો કે લીમડો કોઈ દિવસ આંબો બનવાની અભિલાષા નથી સેવતો! કોઇપણ જીવ પોતાની નિજતા છોડતું નથી સિવાય કે માણસ, કારણમાણસે હજુ શુધી પોતાને પ્રાપ્ત જ ક્યાં કરી શક્યો છે કે એ એને પકડી રાખે!

દરેક વ્યક્તિને એ ખબર તો હોવી જોઈએ કે એ કેવો છે! પણ અહી તો એને ક્યાં ખબર છે કે એ કેવો છે અને એટલે જ એ અલગ અલગ ઢોંગ, સ્વાંગ, રૂપો-સ્વરૂપો, મુખોટાઓ અને ચહેરાઓ લગાવી ફર્યા કરે છે!

અરે સૃષ્ટિનાં રચયિતાની ઉત્તમ રચનાની આવી હાલત?

જેનામાં સૌથી વધુ પ્રકારની અને વધુ પ્રમાણમાં ચેતનાઓ રહેલી છે એ આવું કેમ કરી શકે

જેને ખુદની પ્રાપ્તિ થતી નથી એની હાલત આવી જ હોય છે!

કોઈ વૃક્ષ કે જીવ-જાનવર એ પોતાનાં જીવન સિવાય બીજા કોઈનું પણ જીવન જાણતું નથી, માણસ સિવાયનો દરેક જીવ પોતાનાં અસ્તિત્વમાં ઓતપ્રોત છે! શું ક્યારેય મનુષ્યને પોતાનાં ખરા અસ્તિત્વનું ભાન થશે?

શું માત્ર સંશોધન કે વિચાર કરવાથી પોતાનાં અસ્તિત્વ કે હયાતીની જાણ થઈ શકે?

હું તો ના કહું છું! ક્યારેય ન થઈ શકે! માણસ હજારો વર્ષોથી આજ તો કરતો આવ્યો છે છતાં એ પોતાને પ્રાપ્ત કરી શક્યો હોય એવું મને એની હરકતો પરથી તો લાગતું જ નથી! 

પોતાને પ્રાપ્ત કરવાં કે જાણવાનાં કોઈ નિયમો કે વિધિઓ ન હોય, અને દરેક માણસને એક જ પ્રકારના કાર્યથી કે પદ્ધતિથી પોતાની પ્રાપ્તિ થાય એ પણ જરૂરી નથી! દરેક માણસની સમજણ શક્તિ, અભિવ્યક્તિ અને અનુભૂતિનું સ્તર અલગ અલગ હોય છે અને તેથી દરેક માટે પોતાની ખોજ અલગ અલગ જ હોવાની! 

હા, દરેકે અંતર્મુખી તો બનવું જ પડશે અને પછી જ પોતાનાં રસ્તાઓ અને જીવન પ્રાપ્ત થશે!

નિયમો કે પરહેજી કોઈ દિવસ કશું ઉત્તમ ન આપી શકે, માત્ર સહજતા જ બધું પ્રાપ્ત કરાવી શકે છે! ઇન્કારથી બહારની વસ્તુઓનો ત્યાગ કરી અંતર્મુખી બનવા જશો તો રીબાઈ-રીબાઈને જ મરશો, બધું આપમેળે છૂટવું જોઈએ અને તો જ અંતર્તોમુખી બની શકાશે અને જીવનની પ્રાપ્તિ કરી શકશો! 

ઉત્તમ જીવનનાં તો કોઈ ખાસ લક્ષણો હોતા જ નથી, એતો વ્યક્તિદીઠ બદલતા રહે છે! પણ શાંતિ જ એક એવી વસ્તુ છે કે જે દરેકનાં જીવન અને તેમના અસ્તિત્વ સાથે જોડાયેલ છે એટલે કે ઉત્તમ જીવનમાં ઘણી બધી વિવિધતાઓ હોય છે પણ એક સમાનતા છે અને એ છે શાંતિ!

આ શાંતિ બહિર્મુખી વ્યક્તિત્વને ક્યારેય પ્રાપ્ત થઈ નથી અને ક્યારેય કોઈ પ્રાપ્ત કરી શકશે બહિર્મુખી બનીને એવું લાગતું પણ નથી!

જ્યાં સુધી માણસ ખુદને જાણી નહિ શકે ત્યાં સુધી એ બીજાના જેવો વેશ ઓઢતો જ રેશે! અને ભટકી મરી પડશે!

પોતાની ઓળખ સહિતની બધી જ બાબતોને બહાર છોડીને પોતાની અંદર પ્રયાણ કરો!


-MAHESH JADAV

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Follow us: