ક્યારેક બઝારમાં કશું ખરીદી કરવાં જવાનું થતું તો હું ચોક્કસ એ ટાવરને જોવાં બે ઘડી ઉભો રે’તો! અજરામર ટાવર! એમાં અતિવિશેષ એવું કશું નો’તું કે હું આકર્ષાઈ ઉભો રે’તો, પણ એમાં લખેલ એક વાક્યને વાંચવા અને એનો થોડો મતલબ સમજવાં થોડીવાર રોકાઈ જતો!
વાક્ય હતું, ‘જીવો અને જીવવા દો’
આ વાક્ય કંઈ ખાસ કોઈને નવીનતા પમાડે એવું નથી કેમ કે દરેકે આ વાક્ય ક્યાંક ને
ક્યાંક તો જોયું, વાંચ્યુ, સાંભળયુ કે
બોલ્યાં જ હશો! (આપણને એમાં કંઈ ખાસ નજર ન આવે). સીધી તો વાત છે… પોતે જીવો
અને બીજાંને પણ એમનું જીવન જીવવા દો! આમાં કંઈ વિશેષ અર્થઘટન ક્યાં હોય! કોઈ આ
વાક્યની સમજુતીમાં કશું વિશેષ કહે તો તેનાં શબ્દો સાંભળીને એટલી ખબર પડે કે કોઈને
હેરાન ન કરવાં એવું આ વાક્ય સમજાવે છે! જેણે જેમ જીવવું હોય એમ જીવવા દો! (લગભગ આ
જ એનો અંતિમ અર્થ છે?) … પણ શું આટલી
સમજુતી પુરતી છે? આનો અર્થ
બધાં સુધી તો નથી જ પહોચ્યો! શું જીવો અને જીવવા દો એ જ જીવનમંત્ર હોવો જોઇએ? શું આવું જીવન એક ઉત્તમ-જીવન
ગણાશે?
મારાં મત મુજબ કહું તો… “ના”! (માફ કરજો પણ
હું થોડું અલગ વિચારું છું, હા, થોડું વધારે
જ અલગ!) આ વાક્ય જીવનમંત્ર ક્યારેય ન હોય શકે! કેમ કે આ વાક્ય ઉત્તમ દરજ્જાનું
નથી! (એટલે કે આનાં સિવાય પણ કંઈક છે!) વર્તમાન સમયમાં જીવો અને જીવવા
દો નાં વાક્યની શું અસર છે અને કેવી અસર છે તે જોઈએ !
કોઈને તકલીફ કે હેરાનગતિ ન થાય, દરેક પોતાનું જીવન પોતાની રીતે
જીવે એ એનું એક સારું પાસું છે પણ એનો બીજો મતલબ એવો પણ છે કે કોઈ માણસ કે જીવ ગમે
તેવું જીવી રહ્યો હોય તો પણ તેમાં દખલ ન દેવી! આ વાક્યની આડ લઈને ઘણી બધી
સ્વછંદ્તાં આદરવામાં આવી રહી છે, જીવન જાણે કે સ્વાતંત્રતાં પર જ ટકેલું હોય એમ કોઈ વ્યક્તિ કોઈની પણ
દરમિયાનગીરી સહન કરી શકતો નથી! ‘Privacy’નાં નામે, મને મારું
જીવન જીવવા દો નાં નામે પોતાનું જ જીવન નરક બનાવી બેસે છે અમુક હઠી અને બુદ્ધિહિન
લોકો!
જીવો અને જીવવા દો નો ભાવ જો કોઈને પરેશાન ન કરવા માટે ઉપયોગમાં લેવાય તો ઠીક
છે, કોઈનું જીવન
સુંદર અને શાંત છે તો એને એની રીતે જીવવા દો એવો અભિગમ સારો છે પણ… આ વાક્યમાં
મને કોઈની મદદ કે ઉપયોગમાં આવવાની વાત ક્યાંય જોવાં મળતી નથી! દયા કે
સામર્થ્યભાવ મને આ વાક્યમાં શુન્ય દેખાય છે! કોઈ ગરીબ, દીન છે તો
એને મદદ કરવી અને કરુણા પ્રકટ કરવી એવી સમજુતી મને ‘જીવો અને જીવવા દો’ વાક્યમાં
ક્યાંય જોવા ન મળી!
તદ્દન સ્વાર્થ પુર્ણ, કૃત્રિમતાથી
ભરેલું અને દયાહિન વધારે પ્રતિત થાય છે આ વાક્ય!
બે ઉદાહરણ આપું, અલગ અલગ
પરિસ્થતિનાં!
એક- કોઈ ધનવાન
માણસ છે, એની પાસે ચાર
માળનો બંગલો છે… એ ચોથા માળે
બેઠો બેઠો પોતાનું ભોજન ગ્રહણ કરી રહ્યો છે… તેનાં બંગલાથી થોડે દૂર (જોઈ
શકાય તેટલું) એક ઝુપડું છે, ગરીબ છે, કામ મળે તો
જમવાનું મળે એવી હાલત! હવે આવું કંઈક દ્રશ્ય છે! એક ધનવાન જમે છે અને એક ગરીબ
ભુખ્યો છે! ‘જીવો અને
જીવવા દો’ વાક્યની સીધી
જ વાત અહી લાગું કરીએ તો એવું કહિ શકાય કે ગરીબ પોતાનું જીવન પોતે જીવે અને અમીર
પોતાનું જીવન પોતાની રીતે! શું આમાં ક્યાંય પણ સમૂહભાવ કે સહાયતાની પ્રેરણા મળતી
હોય એવુ લાગે છે? પેલો અમીર, પોતાની બારી
બાંધી કરીને ભોજન ગ્રહણ કરી લે છે! અને ગરીબ ભૂખે પેટ સુઈ જશે!
બીજું… કોઈ ઉપર
અન્યાય થતો હોય ત્યારે “આ એનુ જીવન
છે, આ એનો મામલો
છે, આ એનું છે એ
ફોડી લે!” કંઈક આવું જ શીખવાડે
છે- જીવો અને જીવવા દો વાક્ય! અહી કોઈને બચાવવાની તો વાત જ નથી આવતી! ક્યાંથી
બચાવે, વાક્યમાં કોઈ
ક્ષમતાંનો ભાવ જ વ્યક્ત નથી થતો! હિમ્મત જ નથી પ્રદર્શિત થતી આ વાક્યમાં!
તો હવે મને
કહો, શું ‘જીવો અને
જીવવા દો’ એ ઉત્તમ
જીવનમંત્ર કે’વાય?
ખરેખર તો આ એક જીવનશૈલી છે! સામાન્ય જીવન પદ્ધતિ! એકદમ સામાન્ય! અરે
કુતરાં-બિલાડા પણ સારાં કે એ જાનવરો પણ કોઇનો બચાવ કરે છે કોઈનું દુ:ખ સમજે છે
અનુભવે છે!
મને બીજાં બે જીવનમન્ત્રો વિશે જાણ થઈ! હું એ તમારી સાથે શેર કરીશ! તમે
એ વાક્ય વાંચશો ત્યાં જ સમજી જશો, ઉપર જે બે ઉદાહરણ આપ્યાં એમાં આ બન્ને વાક્યો ને બંધ બેસાડી કંઈક અલગ અને ઉમદા
દ્રશ્ય નિહાળી સકશો!
બીજાં પ્રકારની જીવનશૈલી છે તે સારી છે! જીવનમંત્ર છે, “જીવો અને
જિવાડો”! કંઈક
સ્વાર્થભાવ ઓછો દેખાય છે આમાં, દયા અને હિમ્મત પણ છે! પોતે જીવન જીવો, પોતે પેટ ભરો, પોતે
સુરક્ષિત બનો અને પછી પરોપકાર માટે તૈયાર થાવ! થોડી કૃત્રિમતા ઓછી થઈ, થોડી કરુણા
દેખાઈ! બીજાંને જિવાડવાની ઈચ્છા અને સામર્થ્ય દેખાયા! આવું જીવન સારું જીવન ગણાય
છે! સારાં લોકો આ વાક્યને આમરણ આપનાવતાં હોય છે!
હું ત્રીજાં પ્રકારની જીવન પધ્ધતિને ઉતમ ગણું છું! જેમાં કરુણા
અને સાહસ ભરપુર છે! મહાન અને ઉચ્ચકોટિનાં લોકોનો આ જીવનમન્ત્ર છે! આખો ઇતિહાસ
એમનાથી જ બનતો અને ટકતો હોય છે! ઉમદા પ્રતિભાઓથી!
એ વાક્ય છે, ”જીવાડીને જીવો”!
કુદરતનો સીધો જ આદેશ, કોઈ જ કપટ કે
સ્વાર્થ નહિ અને મજબુતી એવી કે હજારો પેઢીઓ ટકી જાય! દૈવિ-સામર્થ્યથી ભરપુર અને
જરૂરતમન્દોનાં મસિહા હોય છે આવાં લોકો!આવા લોકો દાયકાઓ કે સદીઓમાં જન્મતાં હોય છે!
અને એમની હયાતી પણ ચિરકાળની હોય છે! જે બીજા માટે જીવે છે ખરેખર તે
જ જીવે છે!
તો… હવે મને કહો! જીવો અને
જીવવા દો,જીવો અને
જિવાડો,કે જીવાડીને
જીવો! અમુક રાક્ષસી મનોવૃત્તિના લોકોનો જીવનમંત્ર ‘બીજાને મારીને જીવો’ એવો પણ હોય
છે! પણ આપણે માણસ છીયે એ ન ભૂલવું જોઈએ! તો તમારો જીવનમંત્ર શું છે?
-Mahesh Jadav
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો